“ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ..! “

સપ્ટેમ્બર 18, 2009

આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

વા વાયા ને વાદળ ઉમટયા.. નાનપણમા  નવરાત્રીમા આ રચના સાંભળવાની મઝા પડતી.પણ અફવા માટે આ રચના રચાઈ હોય તેમ લાગે..! એક પ્રશ્ન સતત સતાવે છે.ભારતમાં દરરોજ કેટકેટલા ઠેકાણે કેટકેટલી કથાઓ,રામકથાઓ,પ્રવચનો યોજાય છે પણ તોયે કેમ આ પૃથ્વીનું ઉધ્ધાર નથી થતું.આવુ બધુ થવા છતાં માનવ સ્વભાવ કેમ બદલાતો નથી ?ત્યારે અખાએ કહેલી ઉપરની રચના માંથી ઘણુ કહેવાય જાય છે.દોસ્ત આવી કથાઓ ઉપકારક ખરી પણ જો નવરા બેઠા હોઈએ ને ખાલી જતા સમયને પુરવા આવો ટાઈમ પાસ કરવા જાવ,બીજા આપણા માટે સારુ સારુ વિચારે એમ માનીને જાવ તો શુ કામનું? ભગવાનને પણ બનાવવા જાવ તે કંઈ ચાલતુ હશે?
અરે કોઈને બે ઘડી સમજો તો પણ પ્રભુ ભકિત કરી કહેવાય.. હેતથી ફુલના કુંડામાં પાણી રેડો તો પણ હરિ રાજી રાજી.મજબુત રીતે કસાયેલી મુઠ્ઠીની જેમ આપણે સતત અંદરને અંદર સાવ કસાતા જઈએ એના કરતા કૉઇ આગળ સવારે ફુંટતી કુંપળની જેમ ફુંટીએ તો પણ હરિને આપણને સર્જવાની સાર્થકતા અનુભવાય.કારણ કે એણે આપણને મોકલ્યા છે કૉઇને સમજવા માટે,કોઇને પ્રેરણા આપવા માટે.હંમેશા ખુશ રહેવા માટે…!
આવા સમયે કવિ ગૌરાંગ ઠાકરની પંકિતઓ યાદ આવે..,

ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

આવુ ઘણુ બધુ કરી શકાય…બસ એક ખેવના હોવી અનિવાર્ય છે.માણસ તરીકે જીવવાની. બીજાએ દોરેલી લીટી કે પગદંડી જેવી જ લીટી દોરવાને બદલે આપણા ચીતરડાં જાતે દોરવાની જરુર છે.. બીજા જીવ્યા તેનાથી સહેજ અલગ બની દોડવાની જરુર છે.આટલા મોટા આકાશને કેન્વાસ સમજી જાતે ચિત્રો બનાવવા છે..એક સીધી લીંટીમા દોડતી હવાને પોતાનો હાથ હલાવી જરા ચેન્જ ફીલ ના કરાવી શકાય..કોયલને કોરસ પુરુ પાડો તો એને પણ ગાવાનુ મન થાય..
બાકી  ગમે ઍટલુ કરીએ..ઠેરનુ ઠેર રહેશે..ચણી બોર જેવા છો ને ચણી બોરની જેમ ખોવાય જાશો જો એમાથી કંઈ નવુ નહિ ઉગે તો..!
-મીત

Advertisements

“હું અને તું “

સપ્ટેમ્બર 15, 2009

ચાલો આજ્થી શરુ કરીએ એક નવી નક્કોર કોલમ.જેને આપણે નામ આપ્યુ છે,”હું અને તું ” જેમા વાત હશે ક્યારેક ભકિતની તો ક્યારેક શકિતની,ક્યારેક વ્હેમની તો ક્યારેક પ્રેમની. આપણા સહુના અંતર વચ્ચેનું અંતર ઘટાડવાનો અભિગમ રાખીશ લાગણીઓના વરસાદમાં પલાળવાની કોશિશ નહિ કરું પણ ભીંજવવાનો પ્રયત્ન ચોક્ક્સથી કરીશ.મારો પરિચય આપુ તો હું છું મીત જેને કલમ કાગળ,ઝાડ,રસ્તો,કોયલ,આકાશ,ધરતી,નદી,પવન,હરિ સાથે ગાઢ મૈત્રી છે.આકશ ન વરસે તો એને વઢુ.ધરતીને જોઈ એને વ્હાલ કરું.કોયલ સાથે કોરસમાં ગાવાની મઝા પડે.તો નદીને સાગરમાં ભળતા જોવાની મઝા પડે.

આ કોલમમા આપણે બળવો કરીશું.ક્યારેક બાળક બની કે જેમને સંતાકુકડી રમવા માટે આ સમાજે ક્યાંય અંધારુ નથી રાખ્યુ.જેની પાસે ડ્રોઈગ કોમ્પીટીશનમા પ્રથમ આવવાની અપેક્ષા પણ હોશે હોશે રાખનારા એક ચીતરડો પણ બાળક્ને મરજી મુજબ નથી કરવા દેતા. તો ક્યારેક યુવાન બની કે જેના મુંઝવણ ને દુર કરવાને બદલે વધારે મુંઝવી દે છે આ વડિલોનો સમાજ.જેને પાઠ શીખવ્યા હોય પ્રામાણિક્તાના ને તેને અપ્રામાણિક બનવા મજબુર કરાય.

અરે પ્રેમની વાત પણ હોશે હોશે થશે.સમજણ,વિશ્વાસ,પરસ્પર સ્નેહનાં આધારે સચવાતા પ્રેમસંબંધની ચર્ચા કરીશું.પ્રાર્થના કરવાની રીતના ન્યુ વર્ઝનની પુરેપુરી માહિતી આપીશું.ભગવાન સાથે ગપ્પા કઈ રીતે મરાય તેની ટીપ્સ તો ખરી જ પણ ભગવાનને રીઝવવાના આઈડીયા લખલુંટ આપીશું.કવિતા મારો પ્રિય વિષય,અને ટુંકી વાર્તા મારો શોખ.અરે આ બધા વડે પણ આપણા ગાલ લાલ કરીશું.
બસ આ કોલમ વડે સહુ કોઈને મલકાતાં કરવા છે,વિચારતા કરવા છે,મથામણ અનુભવી ને બહાર નીકળતા કરવા છે.મનમાં બનાવેલા મનઝરુખાની સાફસફાઈ કરી તેમા બેસી ગુફતગુ કરતા શીખવવું છે.માન- અપમાન,રાગ-દ્વેષ,સુખ-દુઃખ,આ બધાથી પર થઈ પ્રેમ,સ્નેહ,મધુરપ,સ્પંદનનાં ક્લાસ લેવા છે.શિયાળામાં ખરી પડેલાં પાંદડાઓનાં વિયોગથી પીડાતા વૃક્ષોને કંપની આપી તેમની પીડા ઓછી કરવી છે.મળવુ છે ધરતીને ક્ષિતિજ પર જઈ જયાં તે આકાશની આવવાની આતુરતાથી રાહ જુએ છે.એને થોડો દિલાસો આપવો છે.ચાતક માટે મલ્હાર ગાવો છે કારણકે આ વખતે વરસાદે એને સાવ તરસ્યો  જ રાખ્યો છે.મૃત્યુને પણ બેંડ વાજા સાથે વધાવવાની તૈયારી કરવી છે.

બસ આવુ તો ઘણુ બધુ કરવુ છે આ કોલમ વડે…..!તમે સાથે આપશો ને..?
જો આમ થશે તો આપણે ભવિષ્યમા ગાતાં હોઈશું

“ના તને ખબર પડી ના મને ખબર પડી
કે હું પ્રેમમાં પડ્યો કે તુ પ્રેમમાં પડી.”

તો મળીશુ આવતા ગુરુવારથી હું અને તું, તું અને હું.

ચચરાટઃ
નિર્દોષતા અને વિસ્મય-
આ બે વસ્તુઓ
જ્યારભું બાળકોમાં જોતો નથી
ત્યારે હું વિચારુ છું
આ ગયા ભવના
ક્યા પાપનો અભિશાપ છે.?
-ચદ્નકાંત બક્ષી.

લખ્યો કાગળ મે મૌનની જબાનમાં..!

સપ્ટેમ્બર 11, 2009

લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,
એને ઉકલી જાજે તું તારી સાનમાં….
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

સંબોધી સુરજના પહેલા કિરણોથી
લીધાં ઉગતી ઉષાના ઓવરણા,
જતમાં લખવાનું કે, તું ઝાકળ ભિનાશ
તને ઝુલાવે કૂંપળના પારણા,
પછી પંખીડા ગાય તારા કાનમાં……
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

વાવડમાં વરસાદી વાદળ બિડ્યાં ને
બિડ્યાં યાદ કેરા કંકુ ને ચોખા,
છતરીયે હોય છતાં ભિંજાવું હોય
એવા મોકલું છું ઓરતા અનોખાં,
સાવ નીતરતી રહેજે તું તાનમાં……
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં…..

ગમતાં કેસુડા તણાં રંગ તમે પૂરજો
ને કોરાં કાગળને ઊજાળજો,
પરબિડીયે ચોંટાડ્યું સરનામુ ’હેત’
એને હળવેથી હૈયે સંભાળજો,
તારો લિખીતંગ નથી હું હવે ભાનમા…..
લખ્યો કાગળ મે મૌનની જબાનમાં….

બસ કશુ ઉમેરવુ નથી…કારણ કે..
“લખ્યો કાગળ મે મૌનની જબાનમાં,
એને ઉકલી જાજે તું તારી સાનમાં..”

તો આ કાગળ તમને આ રીતે મૌન મા લખુ છું.

હમજ્યા કે?

એક એવું ઘર મળે આ વિશ્વમાં..!

સપ્ટેમ્બર 11, 2009

એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

-માધવ રામાનુજ

ઘણીવાર મન કહે કે જો મને આમ મળ્યુ હોત તો હુ આમ કરી શકત,તેમ કરી શકત…!મને જો આમ મળી જાય તો આમ કરી નાંખુ,તેમ કરી નાંખુ..!પણ શુ આપણી ઈચ્છા મુજબ કશુ પણ થાય છે.?અનુભવે તો જણાયુ છે કે જેને સુખ ગણી આપણે માંગતા હોઈએ અને તે ક્યારેય ના મળે,અને જે ન માંગતા હોઈએ તે સામેથી ભટકાય..!પણ જો ભગવાન બધાને સુખનું સર્ટીફીકેટ આપવાનુ શરુ કરે તો એણે બધાને ઘડવા માટે,ઘસવા માટે દુઃખ નામનો જે કોર્ષ શરુ કર્યો છે તેની તો આવક જ બંધ થઈ જાય.. અને આવી મોઘંવારીમા તે કેવી રીતે ચલાવી લેવાય? એટલે ભાઈ ભગવાને પોતાની કોલેજ બંધ થોડી કરવી છે ? કવિની આ બધી જ ઈચ્છાઓ મારી પણ છે.સામેથી દુઃખ માંગશો તો સામેથી સુખ ગળે મળવા આવશે અને દુઃખ જેવો સારો શિક્ષક બીજો કોઈ નહિ…!વાત માનશો તો સુખી થશો. અનુભવથી કહુ છુ.

લહેરાઈ જવામાં લિજ્જત છે..!

સપ્ટેમ્બર 10, 2009

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંયે વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલેપગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઉલટથી તે ગઈ જવામાં લિજ્જત છે.

– અમૃત ‘ઘાયલ’

અમૃત ઘાયલની આ રચના ખરેખર પ્રેરણા આપનારી છે.
કવિ બહુ સરસ રીતે લખે છે કે,

“બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.”

આ ગઝલ એ તમામ વડીલોને લાગુ પડે જેઓ રીટાયર્ડ થવાની ઉમરે પણ રીટાયર્ડ નથી થતા.જીવનની શરુઆત જેટલા હોંશથી કરો છો તો એને સંકેલવાની તૈયારી પણ એટલા જ હોંશથી કરતા હોઈએ તો કેવું ?
દલીલ એવી થાય કે અમારે સમય કેવી રીતે પ્રસાર કરવો? અમે આખી ઝીંદગી કાર્ય કરવામા વ્યસ્ત રહ્યાને હવે એક્દમ નવરા પડીએ તો જીવવું મુશ્કેલ થઈ પડે.કદાચ આવા સમયે આ ગઝલની એકે એક પંકિત કામની છે.બસ પોતાના ઘડપણને જેમ જેમ સંકેલતા જઈએ તેમ તેમ આપણે કોઈક નવા ને સ્થાન આપતા જઈએ છીએ તે વાત ન ભુલવી જોઈએ.કેમ સમય પ્રસાર નહિ થતો ?
અરે જીવનમા વિવિધ અનુભવોમથી પ્રસાર થઈને જે ભાથુ મેળવ્યુ છે તે લુંટાવો..!
જે પીંછી વડે તમે ચિત્રકાર ન બની શક્યા તે પીંછી તમારી નવી પેઢીને આપીને સુખી થવામા શુ ખોટુ છે?
નવીસવી આવેલી જે જીન્સ પેન્ટ પહેરવાની તમારા બાપુજીએ ના પાડી હતી તે નવી પેઢીને પહેરવા દેવાની કેમ છુટ આપતા ખચકાવ છો..?
તમારા જે પ્રેમનો સ્વીકાર કરવાની તમારા જમાના એ ના પાડી તેવા જ કોઈ યુવાનના પ્રેમનો સ્વીકાર કરીને ધન્યતા અનુભવો.
કારણ..!

“જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.”

શું જીવનની સમી સાંજે પણ આપણી આંખો નહિ ખુલી હોય ?
તમારાથી આખો સમાજ, અરે તમારા સ્વજનો પણ ટાયર્ડ ફીલ કરે તે પહેલા રીટાયર્ડ થવામાં શુ ખોટુ છે.જે અરમાનો પુરા ન થઈ શક્યા તે પુરા કરવાની શરુઆત આ ઉમરે જ થતી હોય છે…

માનવીની જીજીવિષા અને મૃત્યુરુપી પ્રેમિકાનુ મિલન…!

સપ્ટેમ્બર 3, 2009

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ
બસ આ એક એવી પ્રેમિકા છે જે પ્રામાણિક રીતે તમને અપનાવી લે છે.વરસાદ પછી જો કોઇ તમને વગર સ્વાર્થે અપનાવે છે તો તે મૃત્યુ સિવાય કોઇ નહિ..રાવજી પટેલની આ રચના અદભુત છે અને એને ભુપેન્દ્રના અવાજમા સાંભળવી પણ એટલી જ હ્રદયદ્રાવક ઘટના છે..આ પંકિત તો અદભુત છે.માનવીની જીજીવિષા કેવી હોય તે અહિ વર્ણવ્યુ છે કવિએ…!

“મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…”

બસ એક જ વાત અહિ કહેવાની કે જ્યારે મૃત્યુરુપી પ્રેમિકાને મળવાનુ થાય તે પહેલા કોઇ વસવસો રહી ન જાય એની કાળજી રાખજો…!
-મીત

મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

સપ્ટેમ્બર 2, 2009

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…
-તુષાર શુક્લ

બસ, ચાતક અને મારુ દિલ અમે બંન્ને આવુ જ કંઈ વિચારતા હતા કે, અમારું ચોમાસુ અમારી આસપાસ જ છે.અને લો આવી ગયો..!રુમઝુમ કરતો..! અને સાચું કહુ તો જો કોઈએ વરસાદની વરસવાની રીત નિહાળી હોય તો તેણે પ્રેમ કરવાની રીત શીખી લીધી.જેને પ્રેમ કરતા હોવ તેની રાહ આતુરતાથી જોતા હોવ અને તેના આવવાની ખબર જ્યારે વાતો પવન લઈને આવે અને તેના આવવાની બીકે વિરહ-વ્ય્થાના અંતના પડઘા સંભળાવા માંડે ત્યારે આવું જ થતું હોય છે.એ આવ્યો અને મનભરીને વરસ્યો..આને કહેવાય પ્રેમ..!

માધો, મન માને તબ આજ્યો..!

ઓગસ્ટ 31, 2009

પ્રિય હરિ,
કેમ છો? મઝામા હશો અને હર હંમેશ રહો એવી મારા દિલની દુઆ.હરિ ઘણા દિવસથી તમારા પત્રની રાહ જોઈ પણ તમારો કોઈ પ્રત્યુતરના આવ્યો.મને લાગ્યુ જ કે તમે વ્યસ્ત હશો.હરિ આજકાલ નો માહોલ જ હેરાન કરનારો બની રહ્યો છે.હમણા તો ગણપતિ બાપા બરાબર હેરાન થઈ રહયા છે.હા,બિચારા બધી જગાએ આરતી નો શીડયુલ સાચવી નથી શકતા..અમારા બાળકોની આરતીનો ટાઈમ સાચવી લેતા હોય છે.હરિ આજકાલ થોડી મુંઝવણ થાય છે.મને તમારી ચિંતા થાય છે.પાછલા દિવસોમાં તમે ધારણ કરેલું મૌન મને અકળાવે છે.

હરિ ચાતક,મોર,કોયલ, ઝાડ, ઘાસ,ધરતી આ બધાને તમારાથી કોઇ ફરિયાદ નથી.તમે પહેલા વરસ્યા પછી તમે ન આવી શક્યા તો અમને કંઈ વાંધો પણ નથી.અમે સમજી શકીએ છીએ કે તમે કેમ મુંઝાયેલા છો?,કેમ તમે મૌન ધારણ કર્યુ છે? તમને ચિંતા છે કે પ્રગતિના પંથે આગળ વધતી માનવજાત ક્યાંક હાથે કરીને હૈયે ના વગાડે તો સારુ.પણ હરિ એમા તમે શુ કરી શકો? ખબર છે હરિ મરજી મુજબ વર્તવાની સજા કેટલી મળતી હોય છે.હવે તમારાથી શુ છાનું છે? પણ હરિ સાચુ કહુ તો તમને ગમે છે એટલે હુ સાવ ગાંડાની જેમ{આ સમાજની દ્રષ્ટિએ ગાંડાની જેમ,કારણકે હુ એના નિયમો નથી પાળતો એટલે}જીવું છુ.
એક વાત કહો,મંદિરમા જાવ અને ત્યા હનુમાનદાદા વજનદાર પહાડ લઈને ઉભા ઉભા દર્શન આપે તો શું એમને થાક નહિ લાગતો હોય? ત્યારે જો એમ કહેવાનું મન થાય કે દાદા આ વજન ઉતારી બે ઘડી આરામ કરો ને ! ,અરે બે ઘડી ગણપતિબાપા સાથે ગમ્મ્ત પણ નહિ થાય ? ગળામાં હળહળતું ઝેર લઈને પીડા ભોગવતા શંકર ભગવાનને રાહત આપવાને બદલે માણસ ધતુરો ચઢાવી વધારે પીડા આપે છે.તો શું પાર્વતી માતાને દુઃખ નહિ થતું હોય? અરે લાખો લોકોને દર્શન આપવા સાંઇ બાબા એ તો રામનવમી ના દિવસે દિવસરાત ઉજાગરા કરવા પડે છે. અધુરામા પુરુ એક ખબર વાંચી કે કોઈ મંદિરમાં તો ૨૫ વર્ષથી અખંડ ધુન ચાલે છે.બાપ રે તે ભગવાનની શું હાલત હશે? જવા દો.

હરિ એક સારા સમાચાર આપવાના,મારી પસંદગી આકાશવાણીમાં થઈ ગઈ છે.અને હવે હું ગુજરાત સરકારના પ્રોજેકટમાં કોમ્યુનિકેશન ના ટ્રેનર તરીકે પણ યોગ્યતા મેળવી લીધી છે.અરે હા હરિ તમને ખબર તો હશે જ મારા પ્રિય અને પરમ મિત્ર ઉર્મિલાબેન અમેરિકાથી પાછા આવી ગયા છે.બાકી ખબર તો એવી કંઈ ખાસ નથી..હમણાં ‘કમીને’ જોઈ.મસ્ત મુવી છે..તમે પણ જો જો.કંઈ શીખવા માટે નહિ..! પણ એ જોવા માટે કે તમારી એક રચના એ કેવી મસ્ત રચના કરી છે.વિશાલ ભારદ્વાજને તેના બે ચાર સારા કામ કરવામા મદદ કરજો..!અને બે ચાર ભુલો માફ કરજો.

હરિ તમારા માટે અને તમારી વ્યસ્તતા માટે જો મારે કંઈ કહેવાનું હોય તો બસ એટલુ જ

કે,

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

હરિ પત્રની રાહ જોઈશ..!

આવજો..!
-મીત

ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !કારણ વાંચો..!

ઓગસ્ટ 20, 2009

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

-જયન્ત પાઠક.

કેવી વિચિત્રતા દર્શાવી છે કવિએ મળીએ તોયે અધુરા રહી જવાય.

માણસ નથી આ પાર કે નથી તે પાર થઈ શક્તો,
બસ આ અપાર વેદના લઈને એ નથી જીવી શક્તો..

કેટલો ગુસ્સો આવે ને..? જ્યારે કોઇ આપણને ના સમજતું હોય.જેને તમે ભરપેટ ચાહતા હોવ,જેના માટે તમે જીવતા હોવ,અને એ જ તમારી બધી વાતો ને ઢોંગ કહી બિરદાવે..ત્યારે થાય શુ કરીએ? જીવતર સાવ નકામું લાગવા માંડે.

આ કવિતા એવા લોકો માટૅ તમાચો છે,જેઓ પોતાને કંઈક વધારે હોશિંયાર સમજે છે..કોઈના ભોળપણને પણ પોતાની સમજુ નજરથી જુએ છે..ખબર નહિ કેમ ? પણ દુનિયાને બસ એક ડીટેક્ટીવની જેમ જોવાની બધાને આદત પડી છે. તમને કોઈ પર શંકા છે,કોઇની વાતો પર ભરોસો નથી તો શુ કામ એ વ્યકિત સાથે સંબંધ સાચવો છો.એ વ્યકિત સાથે સંબંધ સાચવો છો મતલબ કે તમારો પોતાનો કોઈ સ્વાર્થ છે તો જ ને? ખબર નહિ..!પણ એક વાત સાચી છે કે,આપણી સાથે સ્વાર્થી વ્યવહાર એક જ વ્યક્તિ કરે છે અને એની સજા આપણે સ્વાર્થી બની આખા સમાજને આપીએ છીએ એ કહેતા કે,”બધા જ સ્વાર્થના સગા હોય છે.!”વાહ..! અને આ જ સમાજની  કહેવત તો જુઓ ,”સત્ય હંમેશા કડવું હોય છે..” કેમ? તમને ના ગમ્યુ તો એ કડવું? કેવા સ્વાર્થી છો? સત્યની વ્યાખ્યા પણ તમારા સ્વાર્થને અનુરુપ કરો છો? માણસ તરીકે સાવ આવુ? બધું જ સગવડિયું..? પછી ક્યાંથી શક્ય બને કોઈમાં ભળવાનું..? પહેલા કોઈને મળવાનું તો શક્ય બનાવો..!

મારા હસમુખા સ્વભાવને અને મારા મિત્ર મૌલિકની માંજરી આંખોને,અને મારા એક અંગત મિત્રને આવા જ ડીટેકટિવ લોકોની નજર કયારેક ક્યારેક લાગે છે.

શ્રી સુરેશ જાની ખુબ સરસ લખે છે..
માણસને બે ચીજનું આકર્ષણ – એક જિંદગીની રાહ શોધવાનું , ત્રિભેટે મૂંઝાવાનું અને પછી ભટક્યા કરવાનું – અને બીજું આનંદના, આશાના, સ્વપ્નોના ઝરણાં શોધવાનું.
રસ્તાઓ તો ભેગા થાય અને પાછા જૂદા થઇ જાય. ઝરણાં તો એક મેકમાં મળી જાય અને રૂમઝુમતી નદી બની જાય.
માણસને ના રસ્તો મળ્યો કે ના ઝરણું – એટલે બીચારો ત્રિશંકુની જેમ લટકતો જ રહ્યો.

કોઇ હસતુ હોય તો એને બંધ કરાવનારાઓ લખલુંટ છે..
પણ કોઇ છુપુ,છુપુ રોતુ હોય અને એની આંખોની જુબાની સાંભળીને એને હસાવનારા કેટલા?

છે જવાબ..?
મહેરબાની કરી તમે ડીટેકટિવ બની કોઈનું ભોળપણ,કોઇની દિલથી લાગણી અભિવ્યકત કરવાની નિખાલસતા ના છીનવી લેતા..

આવા ડીટેકટિવ લોકો વડે જે વારંવાર લુંટાયો છે તેવા મીતની વાત માનશો ને?
-મીત

ભગવાનનો ફેક્સ

ઓગસ્ટ 12, 2009

ભગવાનનો ફેક્સ ભગવાનનો ફેક્સ આવ્યો..ખુબ સારુ લખ્યુ છે.લખે છે….

“વ્હાલા મીત્,

                          કેમ લા? કેમ નુ ચાલે છે? બધુ બરાબર છે ને? મને ખબર છે તુ ખુબ જ વ્યસ્ત છે,અને મને મળવા પણ માંગે છે.પણ ભઈલા એક વાત કહેવા માંગુ છુ.કે હમણા હું મંદીમા પડેલી ઘોંચ ને સોલ્વ કરુ છુ.મારા બેટા પહેલા બધા જલસા કરે ને પછી લુંટાય ગયાની બુમો પાડે!ઍટ્લે હમણા ખુબ બિઝી છુ.પણ ફેક્સ કરવાનુ કારણ એ હતુ કે જે વિચારો ને કારણે હુ તને માનુ છુ અને ચાહું છુ એ તારા વિચારોને ટકાવી રાખજે.કારણ કે આવા જ સમયે લોકો તમારા વિચારોને ફોલી ખાતા હોય છે,અને જો તારા વિચારો મા જરાપણ ફેરબદલ કર્યો તો જોઇ લેજે.સાલું તને સાચવી સાચવીને મે મારા ઘણા નિયમો તોડ્યા છે.પણ શુ કરુ તું મારુ કામ કરે છે તો તારી વાત તો માનવી જ પડે ને અને તને ના સાચવુ તો શું કરુ..તારી યાદ એટલા માટે પણ આવી કે તને ખબર છે કે દુનિયા કેવી છે? તને જ ખબર છે કે હું કોની પ્રાર્થના સાંભળતો હોવ છુ.તુ જે સંસ્થામા કામ કરે છે ત્યાં રોજ આવુ છુ.કારણ તને ખબર છે કે એ અંધ બાળકો જ મને ખરા દિલથી યાદ કરતા હોય છે.ઍમની એકે એક માંગણી પુરી કરવાનુ મન થાય.એમની પ્રાર્થના મા જે નિર્દોષતા હોય છે જે બુલંદ અવાજ હોય છે એવુ બીજે કયાંય જોવા નથી મળતી.આથી જ તને અહિ મોક્લ્યો છે.આ બધા માટે તારા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર.

બાકી કોઇકે લખ્યુ છે ને…

“બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,

ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે”

હવે તું જ કહે મારે શુ કરવુ? અને તું હવે પ્રાર્થનામાં પણ ક્યાં આવે છે? જો મીત મને તારા પર શ્રધ્ધા છે કે તુ મારા કામ પુરા પાડીશ.બસ તારી અંદરની મૃદૃતાને આમ જ જીવંત રાખજે.તું જેમ કોઇને અપમાનિત નથી કરતો તે મને ગમે છે.બસ આવી અહિંસા જાળવી રાખજે.. બોલ બીજુ શુ ચાલે છે? જો ગઈકાલે એક કળી ખાસ તારા માટે ખીલવી હતી..પણ તને મેસેજ ના કરી શક્યો.સોરી બકા..બેલેન્સ નહોતું. મંદીમા બધાના સેટીંગ કરવામા બેલેન્સ પુરુ થઈ ગયું.જો બીજી એક વાત ધ્યાનમા રાખજે.તારા માટે ઘણા કામ નક્કી કર્યા છે.તને મોક્ળાશ હશે ત્યારે જણાવીશ.

                 અરે સાંભળ અહિં તો બધુ મેનેજ થાય છે.તારુ મેનેજમેન્ટ સાચવજે.અને હા તારા માટે એક ગુડન્યુઝ છે.જે તારુ જીવન બદ્લી નાંખશે.અને તારુ જે ધ્યેય છે ત્યાં પંહોચાડશે.એક અંદરની વાત કહુ પેલા ગાંધીજી હતા તેમની ફરી જરુર પડશે.અને તેમની જરુર બધાને વર્તાય છે.તુ મીની ગાંધી બની જા તો પણ તારી નૈયા પાર થઈ જશે.

હાલ પુરતા તો હરિભાઈ ના જય હો….( મે પણ જોઇ છે..)