Archive for માર્ચ, 2010

પણ કોણ સમજાવે ? આ દુનિયાને

માર્ચ 19, 2010

લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!

– પ્રીતમ લખલાણી

હા, પરિચય તો સો ટકા કરાવવાની જરુર છે.કારણ કે હવે ઓગણો સિત્તેર બોલતા માત્ર એક જ પેઢીને આવડે છે અને છાંસઠ બોલવાની મઝા બસ બહુ ઓછાં માણી શકે છે.મારા ઘરમા ઘર બનાવવા માંગતા કબુતરો ને જોઇ મારી પત્ની ખુબ રીસે ચઢે અને હું હરખ પામું.કારણ કે કબુતર મારા ઘરે માળો બાંધવા પ્રયત્ન કરે તે જ મારા માટે તો ધન્યતાની પળ છે.આ ખોબા જેવડા વિશ્વમાં એણે મારા ઘરને પસંદ કર્યુ એ જ નવાઈની વાત નથી લાગતી ?
પણ કોણ સમજાવે ? આ દુનિયાને મોં પર ખરાબ કહો તો દસ જણા સમજાવશે કે ભાઈ આમ ના કર નહિતર તારી છાપ સારી નહિ પડે..યોગ્યતા વગર સાવ ફાલતું માણસોને ટેલેન્ટેડનું સર્ટિફિકેટ આપતા પણ હવે કોઇ અચકાતું નથી..અને આવી હાલતમાં મને તો બસ એ કબુતરનો માળો જ ગમે છે. એક વાત તો નક્કી છે ભવિષ્યમાં રમેશ પારેખનુ આ ગીત વારે વારે ગાવામાં આવશે..

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં..

કશું જ કોઇને કહેવાય નહિ અને આ બધા વચ્ચે રહેવાય પણ નહિ..
હરિ તમે ટિકિટ મોકલાવો એના વગર તો તમારી પાસે અવાય નહિ…!

ચચરાટ ;
” પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.”
-મુકેશ જોશી

-મીત

Advertisements

દરેક બાળકનો પોકાર મારો શું વાંક ?

માર્ચ 15, 2010

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સાથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.અને કદાચ એટલે જ હવે થાય છે કે ઝાઝું જીવવામાં કોઇ માલ નથી.કારણ કે સૃષ્ટિને આમ પળ પળ મરતાં જોવાની મારી ત્રેવડ તો નથી જ.

ચાલો એક વાર્તા કહું કે, જે મે ક્યાંક વાંચી હતી..
એક જંગલમાં ભરવાડોનાં છોકરાઓ પોતાનું ધણ ચરાવતા હતાં.ત્યારે જંગલમાંથી ટ્રેન પ્રસાર થઈ.છોકરાઓ રાજી થઈ ચીચીયારી પાડી હાથ હલાવી ટ્રેનના બધા જ મુસાફરોનું અભિવાદન કર્યુ.પણ ટ્રેનમાં બેઠેલ એકેય મુસાફરે એ અભિવાદનનો કોઇ જવાબ ન આપ્યો.પરિણામ સ્વરુપ ભરવાડોનાં છોકરાઓ અકળાયા અને એમણે હાથમાં પથ્થર લઈ બીજી ટ્રેનની રાહ જોવા લાગ્યા.કે હવે જે ટ્રેન આવે તેના પર પથ્થર મારીશું.
અને બીજી ટ્રેન પણ આવી,પણ ટ્રેનમાં બેઠેલ એકે એક મુસાફરે બાળકો સામે સ્મિત આપી હાથ હલાવી બાળકોનું અભિવાદન કર્યુ,અને બાળકોનાં હાથમાં રહેલા પથ્થરો નીચે પડી ગયા.

બોલો શું કરશો..? આતંકવાદી પેદા કરીને એને મારશો કે એને પેદા જ નથી થવા દેવું.?
નિર્ણય આપણા હાથમાં છે.
પ્રેમપુર્વક જીવો અને જીવવા દો.કોઇ રડતાને ના હસાવી શકો તો કોઇ હસતાને રડતા ન કરવાની સમાજ સેવા ચોક્ક્સથી કરજો…!

બોલો શું માનો છો ?
-મીત.