હ્રદય નવરું પડે તો શું થાય?

ઓક્ટોબર 21, 2011

                         માનવીનું મગજ નવરુ પડે તો શું થાય? તો નવરા મગજમાં શૈતાન પ્રવેશે.પણ જો હ્ર્દય નવરું પડે તો? તો એ સાવ તર્ક વગરની એવી વાતો કરે જે સાચી પડે એવી કામના આપણે કરીએ.જેમ કે કોઇ વ્યકિતને ઈમરજન્સીમાં ઓક્સિજનનો બાટલો ચઢાવાય તેમ લાગણીનો બાટલો આવતો હોત તો? ક્યાંય કોઇપણ વ્યકિત સહેજ લાગણી વગરનો સાવ સુક્કો થાય એટલે તરત લાગણીનો બાટલો એને ચઢાવાય.વળી કોઇને શ્વાસની તકલીફ હોય તો તે પોતાની સાથે પંપ રાખે.તેવી જ રીતે કોઇને બહુ ગુસ્સો આવવાની તકલીફ હોય વાતે વાતે શંકા કરવાની ટેવ હોય તો તેના માટે કોઇ પંપ બજારમાં મળે છે જેને વાપરતાની સાથે જ માણસનો ગુસ્સો સડસડાટ ઉતરી જાય? વળી બ્લડપ્રેશર,સુગર માપવા માટે વિવિધ ટેસ્ટ વપરાય છે તેમ જેમને પ્રેમનું વળગણ છે કે ગળપણ એ નક્કી કરવા કોઇ ટૅસ્ટ ખરી? કારણ કે જેમ બ્લ્ડપ્રેશર વધે કે સુગર વધે ને તકલીફ વધે તેમ પ્રેમમાં વળગણ વધે તો તે પણ સામેના પાત્ર માટે જીવલે બને છે. નાનપણમાં બાળકોને પોલિયોથી બચાવવા રસી અપાય છે તેમ ઈર્ષ્યા-લોભને કાયમી રીતે નાબુદ કરનારી સ્વીકૃતિની કોઇ રસી ખરી? અકસ્માત થયા બાદ ઇમરજન્સીમાં લોહીના બાટલા જરુરી થઈ પડે અને કોઇ અજાણ્યો દાતા લોહીનુ દાન કરી જાય.તેવી રીતે અચાનક કોઇને નિષ્ફળતા મળે કે સંબંધ તુટે ત્યારે સધિયારા માટેના ખભાની કોઇ બેન્ક ખરી? કે એ આપનાર કોઇ અજાણ્યો દાતા ખરો? પગ,હાથ,ડોક,કમ્મર,આંગળીઓ,ઘુંટણ,પીઠ આ બધામાં કોઇ તકલીફ થાય તો ડોકટર આપણને ફિઝિયોથેરાપીની સલાહ આપે તેવી જ રીતે ઉદાસી,નિરાશા,હતાશા, ગમગીનપણું દુર કરવા સાંત્વનાથેરાપી આપનાર કોઇ ડોકટર મળે તો? શરીરમાં કોઇ વખત તાવ આવે અથવા વાયરલ ઇન્ફેક્શન થાય તો ડોકટર એન્ટિબાયોટિક્સ આપે તેમ અભિમાન નામના બેક્ટેરિયા માટે કોઇ વિનમ્રતાનું ઇન્જેકશન કે એન્ટિબાયોટિકસ મળે ખરુ? ગ્લુકોઝનાં બાટલા આવે તેમ હુંફના બાટલા મળી શકત તો? જેમ અને તેમ જો અને તો આ બધી વાતો વચ્ચે સાવ અધ્ધર કલપ્ના લાગતી આ બધી જ વાતો શક્ય બનવાની આપણે અપેક્ષા રાખીએ..!

Advertisements

રીલેશન અને સંબંધ વચ્ચે શું તફાવત ?

જુલાઇ 15, 2010

ગઈકાલે મિત્ર વિશાલ સાથે વાત વાતમાં વાત નીકળી કે રીલેશન અને સંબંધ વચ્ચે શું તફાવત ? તો જવાબમાં એટલું જ (મારી સમજ પ્રમાણે)કે જે મિત્રો કોઇ કામ માટે ફોન કરે ને કામની વાત કરતાં પહેલા સાવ ક્ષુલ્લક વાતોથી શરુઆત કરે તે રીલેશન અને જે મિત્રો ફોન કરતાની સાથે જ સીધી કામની વાતો કરે તે સંબંધ કારણ કે એ કામ આપણને સોંપવા માટે તેનો અધિકાર હોય છે..! રીલેશન રાખનારા તમને કાયમ પોઝીટીવીટીથી ભરપુર મેસેજો વડે રોજ યાદ અપાવે કે અમને યાદ રાખજો..! કોઇ દી ભાગ્યેજ પુછે કે શું હાલ ચાલ છે ? અને જો પુછે અને કહીએ કે બસ એક સમસ્યા છે તો સલાહ આપવા સિવાય કંઈ નહિ કરે.જ્યારે સંબંધ રાખનારા દરરોજ એકવાર તો પુછે જ કેમ છે? અને કામ વગર ફોન કરીને આપણી સમસ્યાઓ દુર થઈ કે નહિ તેની માહિતી મેળવે ને મદદ પણ કરે..!એકવાર આ ફોર્મ્યુલા અપનાવી જો જો..!

સંવેદનશીલતા તમને શાંતિથી જીવવા નહિ દે…!

જુલાઇ 13, 2010

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……

ઘણા લોકોના જીવનમાં આજ કમનસીબી હોય છે..! હ્ર્દયમાં જો લાગણીનો સડો થાય તો જીવવામાં પણ વસવસો અનુભવાય.મનમનાવીને જીવતા હોઈએ ત્યારે ભલભલી પોઝીટીવ થિકીંગની બુકો પણ નકામી લાગે..! એક વાત તો નક્કી કે આ દુનિયામાં એકલા આવ્યા છો, એકલા જ રહેશો ને એકલા જ જશો..! ગમે તેટલા સંબંધ બનાવો પણ તોયે પોતાપણું પોતાનામાં જ હોય..!હા ‘ એક્લો જાને રે ‘.આ કવિતા એ વાતની સાક્ષી છે કે તમારી અતિ સંવેદનશીલતા તમને જીવવા કરતા મરવા વધુ પ્રેરશે..! ને ઓછી સંવેદનશીલતા તમને શાંતિથી જીવવા નહિ દે…!

પણ કોણ સમજાવે ? આ દુનિયાને

માર્ચ 19, 2010

લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!

– પ્રીતમ લખલાણી

હા, પરિચય તો સો ટકા કરાવવાની જરુર છે.કારણ કે હવે ઓગણો સિત્તેર બોલતા માત્ર એક જ પેઢીને આવડે છે અને છાંસઠ બોલવાની મઝા બસ બહુ ઓછાં માણી શકે છે.મારા ઘરમા ઘર બનાવવા માંગતા કબુતરો ને જોઇ મારી પત્ની ખુબ રીસે ચઢે અને હું હરખ પામું.કારણ કે કબુતર મારા ઘરે માળો બાંધવા પ્રયત્ન કરે તે જ મારા માટે તો ધન્યતાની પળ છે.આ ખોબા જેવડા વિશ્વમાં એણે મારા ઘરને પસંદ કર્યુ એ જ નવાઈની વાત નથી લાગતી ?
પણ કોણ સમજાવે ? આ દુનિયાને મોં પર ખરાબ કહો તો દસ જણા સમજાવશે કે ભાઈ આમ ના કર નહિતર તારી છાપ સારી નહિ પડે..યોગ્યતા વગર સાવ ફાલતું માણસોને ટેલેન્ટેડનું સર્ટિફિકેટ આપતા પણ હવે કોઇ અચકાતું નથી..અને આવી હાલતમાં મને તો બસ એ કબુતરનો માળો જ ગમે છે. એક વાત તો નક્કી છે ભવિષ્યમાં રમેશ પારેખનુ આ ગીત વારે વારે ગાવામાં આવશે..

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં..

કશું જ કોઇને કહેવાય નહિ અને આ બધા વચ્ચે રહેવાય પણ નહિ..
હરિ તમે ટિકિટ મોકલાવો એના વગર તો તમારી પાસે અવાય નહિ…!

ચચરાટ ;
” પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.”
-મુકેશ જોશી

-મીત

દરેક બાળકનો પોકાર મારો શું વાંક ?

માર્ચ 15, 2010

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સાથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.અને કદાચ એટલે જ હવે થાય છે કે ઝાઝું જીવવામાં કોઇ માલ નથી.કારણ કે સૃષ્ટિને આમ પળ પળ મરતાં જોવાની મારી ત્રેવડ તો નથી જ.

ચાલો એક વાર્તા કહું કે, જે મે ક્યાંક વાંચી હતી..
એક જંગલમાં ભરવાડોનાં છોકરાઓ પોતાનું ધણ ચરાવતા હતાં.ત્યારે જંગલમાંથી ટ્રેન પ્રસાર થઈ.છોકરાઓ રાજી થઈ ચીચીયારી પાડી હાથ હલાવી ટ્રેનના બધા જ મુસાફરોનું અભિવાદન કર્યુ.પણ ટ્રેનમાં બેઠેલ એકેય મુસાફરે એ અભિવાદનનો કોઇ જવાબ ન આપ્યો.પરિણામ સ્વરુપ ભરવાડોનાં છોકરાઓ અકળાયા અને એમણે હાથમાં પથ્થર લઈ બીજી ટ્રેનની રાહ જોવા લાગ્યા.કે હવે જે ટ્રેન આવે તેના પર પથ્થર મારીશું.
અને બીજી ટ્રેન પણ આવી,પણ ટ્રેનમાં બેઠેલ એકે એક મુસાફરે બાળકો સામે સ્મિત આપી હાથ હલાવી બાળકોનું અભિવાદન કર્યુ,અને બાળકોનાં હાથમાં રહેલા પથ્થરો નીચે પડી ગયા.

બોલો શું કરશો..? આતંકવાદી પેદા કરીને એને મારશો કે એને પેદા જ નથી થવા દેવું.?
નિર્ણય આપણા હાથમાં છે.
પ્રેમપુર્વક જીવો અને જીવવા દો.કોઇ રડતાને ના હસાવી શકો તો કોઇ હસતાને રડતા ન કરવાની સમાજ સેવા ચોક્ક્સથી કરજો…!

બોલો શું માનો છો ?
-મીત.

“જે હોય તે કહેવાનું ને ગામ વચ્ચે રહેવાનું”

જાન્યુઆરી 1, 2010

હંમ્મ્મ્મ્મ્…~તો શુ ચાલે છે ? જીવનમાં કોઇ નવાજુની? અને કોઇ નવાજુની ના હોય તો કહેજો..મળીને કંઈ નવુ કરશું.આમ પણ ક્યાં કઈ ઉકાળી શકીએ છીએ આ દુનિયામાં.અને કંઈ ઉકાળવા જઈએ એટલે તો આપણી પાછળ આ દુનિયા જોર લગાકે હૈસ્સ્સ્સ્સસો કરીને જોર મારે કે આપણાથી કંઈ ઉકળે નહિ.તો ભાઈ મારુ માનો તો હવે સમય છે જ્યારે તમે કહો.
કે બસ બહુ થઈ દુનિયાની મચમચ હવે આપણો વારો.
વિચારો…! કોઇ એકદમ સુંદર છોકરી કે, જેની તરફ આપણે જોઇએ ને તે પોતાને હીરોઈન માનવા માને ને ત્યારે આપણે એમ કહીએ કે,”બેન તમે તો બહુ રુપાળા લાગો છો ?” સાલ્લું એના આખા મેક અપની તો વાટ લાગી જાય.
અરે કોઇ રિક્સાવાળાને શકિતમાન કહીને ખખડાવો ને કોણ ના પાડે છે?
હમણા મારી હોસ્ટેલના છોકરાઓ એ કહ્યું કે હવે હોસ્ટેલના નિયમો બહુ કડક બની ગયા છે. તો મે કહ્યું લે તો તો નિયમો તોડવાની ખુબ મઝા પડશે.અને ખરેખર બંધ ગેટ કુદીને જવામા મઝા પડે છે.

“દોસ્ત છોટી સી લાઈફ મે કિતને લફડે હૈ,
તો સરજી હમ ભી પુરી તરહ સે તગડે હૈ.
માર ધાડ કરો અગર કોઇ તુમસે ઝગડે હૈ.
ચાહે દુનિયા કહે યે બચ્ચે કિતને બિગડે હૈ.
આ દુનિયાને ઠેકાણે લાવવા બગડવુ પડે તો છે કબુલ બગડવાનું.
“જે હોય તે કહેવાનું ને ગામ વચ્ચે રહેવાનું”
તો ચાલો કરીએ આપણા જીવનની શરુઆત..કારણ કે હમણા સુધી તો તમે બીજાની મરજીનું જીવન જીવતા હતાં.બોસ આપણે તો હજી પોતાની મરજીનું જ જીવીએ છીએ.

-મીત

મિત્ર તરીકે પીઠમાં ખંજર ભોંકવાની લાયકાત કેળવવાનું શુ લેશો ?

ઓક્ટોબર 14, 2009

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
-હેમેન શાહ

આ અર્થ જાણવાની ઉત્કંઠા દરેકને હોય છે..કદાચ મને પણ છે..!એમ થાય કે આ દુનિયામાં સહેજથી ચલાવી લેવાતું હોત તો કેટલું સારું ! મિત્ર તરીકે મે ઘણા અનમોલ રત્નો મેળવ્યા છે.ક્દાચ મારી જાગીર એ જ છે.સાચુ કહુ તો મારા મિત્રો ભવિષ્યમાં મારા પીઠે ખંજર ભોંકે તો એ પણ કબુલ..કારણકે મને મારી પસંદગી પર વિશ્વાસ કરતાં શ્રધ્ધા વધુ છે.એક વાત કહો કે જેને તમે મિત્ર માનો છો તેને તમે ખંજર ભોંકવાનો હક્ક ન આપી શકો ? મહત્વ ખંજર ભોંકવા કરતા એ ભોંક્યા પછી પણ એને માફ કરી એને અપનાવી લેવાનું છે.અરે તમારે તો ખુશ થવાનું હોય કે એણે દુનિયામા માત્ર તમને લાયક સમજ્યા કે,દોસ્ત આને ખંજર ભોંકીશને તો પણ એ મને માફ કરી દેશે..જો તમારા પીઠે ખંજર ભોંકવાથી તમારા મિત્રને કોઈ લાભ થાય તો તમે એને લાભ નહિ થવા દો? જો તમે તમારા મિત્રને એવું આશ્વાસન આપતા હોવ કે તારા માટે જાન પણ કુર્બાન તો આ ભુલ માફ કરવી કેમ બધા માટે અઘરી પડે છે ? બસ દોસ્તી તુટી એટલે મિત્રની બધી વાતો જાહેર કરી દો,એને બદનામ કરી દો.એને બસ હલાલ કરી દો..
મારી રીત નોખી છે અને એ જ રીત મારા જે તે મિત્રને આ કહેવા મજબુર કરે છે,

“એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.”
-મરીઝ

એક પ્રશ્ન થાય છે કે,

શુ આપણી પાસે ઍટલી પણ લાયકાત છે કે કોઈ આપણા પીઠ પર ખંજર ભોંકી શકે ?

શું આપણે કોઇ મિત્ર માટે એટલા સમર્પિત છીએ ખરા?

મિત્ર માટે,એની ખુશી માટે કુર્બાન થવાનું મળે તો ભયો ભયો..!

સાચુ કહું ? મનને મનાવતાં શીખવાની જરુર હોય છે..! પણ માત્ર અંગત માનતા હોઈએ તેના માટે જ..!

બાકી તો બીજા જનતા જનાર્દનમાં ખપે છે.
અને જે બસ જનતા જનાર્દનમાં ખપતો હોય  છે મીત એના નામનું ક્યારેય જપતો નથી..!

-મીત

બસ આપો શુભેચ્છા જેથી વધીએ આગળ ધના ધન દઈને….!

ઓક્ટોબર 14, 2009

કઈ રીતે અભિવ્યકત કરુ મારા આનંદને..? ક્યા શબ્દોમાં? કયા રંગમાં ને ક્યા રુપમાં..! ખબર નહિ પણ વ્હેચવું તો છે તમારી સાથે પણ..!મારી ટ્રેનીંગ ઓલ ઈન્ડિયા રેડિયોમાં ચાલતી હતી ત્યારે જોઈએ તે બધુ જ મળ્યું.સાચુ કહુ તો ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે એ કહેવત એમને એમ નથી પડી..!ચાલો તમને ગણાવું મારા આનંદમય હોવાના કારણો..!

૧.વર્સેટાઈલ વૃષ્ટિ.
૨.મધુર મિલ્વી.
૩.જબરદસ્ત ઝાહિદા (મિલ્વી અનેઝાહિદા બંન્ને ના ઉપનામ ઍટલે સવાલ જવાબ)
૪.આશા આકાંક્ષા..
૫.ક્રેઝી કિરણ.
૬.રોકીંગ રુપેન.
૭.ધૈર્યવાન ધીરજ.
૮.મૌલિક મૌલિકા.
૯.આનંદમયી અંજના.
૧૦.જાનું ઝંખના.
૧૧.પરચુરણ પ્રતીક્ષા.
૧૨.કાકી કૃપા અને
૧૩.નિઃશબ્દ નિરવ.

આ બધા મળ્યા અને સાચુ કહુ તો મને આટલા બધા લોકોએ એક સાથે રહેવાની જે મઝા મળી તે સ્વર્ગથી ઓછી ન આંકી શકુ.ઝાહિદાના અગણિત સવાલો તો મિલ્વી ના અગણિત જવાબો.કાકી કૃપાની જીવનની,લાગણીની ઉંડી સમજ,તો આશા આકાંક્ષાની નિર્મળ તાજગી..બાપરે જાણે પૃથ્વીનું આખુ સત્વ આ પાંચ દિવસ ચર્ચા કરવા ભેગુ થયુ હોય તેવું લાગ્યું.અને આમા સૌથી વધુ મઝા પડી જાનુ ઝંખનાની.અરે એનું તો નામ પડી ગયું જાનું ઝંખના.પણ પરચુરણ પ્રતીક્ષા પણ જામી..અને ધૈર્યવાન ધીરજ એ તો ભાઈ જબર ધીરજવાન.સ્વરગુર્જરી માટે પહેલા દિવસે લખેલો પત્ર મને પાંચમા દિવસે આપ્યો.આ પાંચ દિવસો ક્યાં પતી ગયા ખબર જ ના પડી..પણ મને ઘણું જાણવા મળ્યું. પ્રેમ,હુંફ,સૌહાર્દ, પારસ્પરિક ચિંતા,પારસ્પરિક મદદ,અને મુળભુત તો સંબંધની જાળવણી.એક સાચી વાત કહું તો મને સંપુર્ણપણે કબુલ કરનારઓમાં આ લોકો મોખરે હતાં.હુ ગમે તેટલી ધમાલ કરુ પણ બધાને કબુલ કે મીત તોફાની છે.. માય એફ એમ છોડયાનો આનંદ જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ બેવડાતો જાય છે…!કદાચ હું આકાશવાણીમાં ના આવ્યો હોત તો ? ખબર નહિ પણ એક સાથે ૧૩-૧૩ મિત્રોનો જેકપોટ ન લાગત.અને આ બધામા મને ઈર્ષ્યા જનમતી નિઃશબ્દ નિરવની નિરવ શાંતિની.તેનું મૌન રહેવું જાણે આપણને શાંતિ આપતું હોય તેવું લાગતું.પણ મઝા પડી ગઈ બોસ….! બસ આપો શુભેચ્છા જેથી વધીએ આગળ ધન ધના ધન દઈને..!

બસ એ જ મીત જે સૌના મનનો હતો,છે અને રહેશે…!

-મીત

આત્માની માંદગી….? ચિંતા કરો સાહેબ..!

સપ્ટેમ્બર 23, 2009

મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

ચાલો આજે આ પ્રાર્થના કરીએ.. થોડો ખોરાક ખવડાવીએ આપણા આત્માને..અને તે પણ પૌષ્ટિક આહાર.ખબર છે આપણે રોજ આપણા આત્મા ને ફાસ્ટફુડ ખવડાવતા હોઈએ છીએ.

બધુ જ ફટાફટ.
જમવાનું ફટાફટ,
કામ પણ ફટાફટ,
ચાલવાનું ફટાફટ,
વાંચવાનું પણ ફટાફટ,
ફરવાનું પણ ફટાફટ
ઈન્ટરનેટ ફટાફટ,
સફર ફટાફટ,
વાત ફટાફટ,

અને તે જ રીતે
પ્રાર્થના પણ ફટાફટ..!
અને આ ફટાફટી કરવામાં આપણા આત્મા ને કેટકેટલી માંદગી ઘેરીને બેઠી છે..?
નિષ્ઠુરતા,સ્વાર્થ,દંભ,અધીરતા,આવી તો કેટકેટલી બિમારીઓ ઘર કરી ગઈ છે.પછી ફરિયાદ કરો કે આત્માનો અવાજ આવતો નથી..તો તે કયાંથી આવે ? બિમાર આત્મા અવાજ તો શું,તે હલનચલન પણ બંધ કરી દે અને આત્મા હલનચલન બંધ કરે તો ઉંઘ ક્યાથી આવે ?

ભાઈ ટુંકી ને ટચ વાત..
જેવો આહાર તેવો થશે વ્યવહાર અને
સારો વ્યવહાર તો રોજે રોજ તહેવાર..!

તો હવે પ્રાર્થના રુપી પૌષ્ટિક ખોરાક ખવડાવશોને તમારા આત્માને ? કે પછી ફાસ્ટફુડથી જ કામ ચલાવશો..?
બાકી જેવી તમારી મરજી….!

-મીત

છઠ્ઠુ ગૃહ કવિ સંમેલન સફળ રીતે સંપન્ન..!

સપ્ટેમ્બર 19, 2009

વાહ વાહ અને બસ વાહ જ કરવી પડે…! છઠ્ઠા ગૃહ કવિ સંમેલનમાં આ ઉદગાર વારે વારે સાંભળવા મળ્યો..સ્વાભાવિક છે..! કારણ કે જ્યારે નવી પેઢીને સતત બગડતી કહેનારા લોકોને પ્રેરણારુપ બની એ જ નવી પેઢી ઓરકુટ જેવા માધ્યમથી મળેલી કવિતા પ્રસ્તુત કરે ત્યારે મઝા પડી જાય. અને જો એમા કવિ ગૌરાંગ ઠાકર ભળે તો ?..
એક યુવાન મિત્ર ધવલએ આ કવિતા વાંચી સંભળાવી..

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ !

મઝા પડી ને..! તો વળી મૌલિક નામના મિત્રએ કહ્યું કે,
નજીક આવે છે મારી ને અડવા પણ નથી દેતી,
મને છંછેડીને પછી ઝઘડવા પણ નથી દેતી.
કરી વાતો જુદાઈની મને રડમસ કરી મુકશે
પછી ગમ્મત કરી મને રડવા પણ નથી દેતી.
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી.

સાચી વાત છે પ્રેમમાં પડનારાઓને ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો..

આ ગૃહ કવિ સંમેલનમાં પહેલીવાર આવેલા મિત્ર ભૌતિક શેઠે સ્વલિખિત કવિતાનુ પઠન કર્યુ.
શરુઆત કરી પત્ની માટે લખેલ એક મુકતકથી..

“ન્રુત્યાંગના ની છટાઓ જેવી છટાઓ થી
મન મોહિત કરી ગઇ મારું,
ચન્દ્ર ના પ્રકાશ ની ગતિ એ;
હ્રદય સંમોહી ગઈ મારું.
– ભૌતિક શેઠ”

શાને રોવે તું પૈસા ની પાછળ હે માણસ,
સંબંધ બધા તું ભૂલ્યો પૈસા ની પાછળ હે માણસ,
લાગણી નાં ફૂવારા તે શાને બંધ કર્યા હે માણસ,
ભીતિ-ભાન ભૂલાવી શાને પૈસા પાછળ તું ભાગ્યો હે માણસ;

અસમંજસ ભર્યું જીવન ઘડી કાઢ્યું તે તારું હે માણસ,
નથી સવાર કે નથી સાંજ નું ભાન હવે તને રહ્યું હે માણસ,
‘કુટુંબ’ જેવો શબ્દ તને અવરોધ લાગવા લાગ્યો હે માણસ,
દેશ છોડી પરદેશ મા ‘માં’ શોધવા તું ભાગ્યો હે માણસ;

અદભુત રચના અને તેની રજુઆત પણ…!
તો યુનાયટેડ કિંગડમથી મિત્ર પ્રવીણ પરમાર ઉર્ફ ‘પલ’ એ આ રચના મોક્લી હતી જે મે વાંચી સંભળાવી…!

ક્યાંક ઉકેલ બની હું સમજાઇ જાઉં છું,તો
ક્યાંક કોયડો બની હું ગુંચવાઇ જાઉં છું,

ક્યાંક શબ્દ બની હું ખીલી  જાઉં છું,તો
ક્યાંક મૌન થઇ હું મુરઝઇ જાઉં છું,

ક્યાંક વિશ્વાસ બની હું જીવી જાઉં છું,તો
ક્યાંક નિશ્વાસ બની હું ફેંકાઇ જાઉં છું,

ક્યાંક સાથ બની હું સર્જાય જાઉં છું,તો
ક્યાંક એકલતા બની હું ઑલવાય જાઉં છું,

ક્યાંક હાસ્ય બની હું ઉજવાય જાઉં છું,તો
ક્યાંક આંસું બની હું ભીંજાઇ જાઉં છું,

ક્યાંય “પલ” તમ જેવો ના થઇ શક્યો તેથી જ તો
લાગણીશીલ રહી સંબંધોમાં અટવાઈ જાઉં છું,,,,

-ઃઃપ્રવિણ પરમાર “પલ”

અને પછી અમે આમંત્ર્યા અમારાં મુખ્ય મહેમાન કવિ ગૌરાંગ ઠાકરને…!
શરુઆત કંઈક આવી થઈ.

બધા ફુલોનુ ઝાકળ પાછું આપે
નહિ તો સુર્ય રાજીનામુ આપે.

અમે ચારે તરફ ફરી વળ્યા પણ
હવા ક્યાં ખુશ્બુનું સરનામુ આપે?

ખરી ઈશ્વર કૃપા એને ગણી લો
કદી કોઇના માટે આંસુ આપે.

તું પહેલા વ્હેંત નીચો તો નમી જો
તને એ બેઠો કરવા માથું આપે.

અને માનો આખો માહોલ લાગણીમય બની ગયો..
અને યુવાનો અને પરણેલા ઓ માટે આ મુકતકો  કહ્યા તે તો લાજવાબ હતા,

એક જાડીને જો બીજી જો કાળી પડે
ત્રીજી બટકીને જો ચોથી ઉંચી પડે
છોકરીમાં અગર રુપ જોશે અંહિ
બાજુવાળાની જોડે એ હાલી પડે

એ દશા લગ્ન પશ્ચાત બહુ ભારી પડે
એક દિ એક પત્ની જ  ચલાવી પડે
જે થયુ એમાં કંઈ પણ નવું નહિ થશે
ભાખરી તો શાક સાથે જ ખાવી પડે

આ બધી રચના બાદ તો આ રચનામાં મઝા પડી ગઈ..

જયાં પ્રણયની કાર્યવાહી થાય છે
ત્યાં જ આંખો ડોઢ ડાહી થાય છે.

આ પવન વંઠે પછી વંટોળ થાય
વૃક્ષની એમા ગવાહી થાય છે.

પ્રણયની સફરનાં ક્યાં નકશા મળે છે?
તમે ચાલવા માંડો રસ્તા મળે છે.

કવિ ભાગ્યેશ ઝાના પુત્રી પ્રાર્થના ઝા એ છેક અમેરિકાથી પોતાની રચના ખાસ આ ગૃહ કવિ સંમેલન માટે મોકલાવી હતી.
પાંપણે આવીને છટકી  જાય છે
આંસું જેવુ કંઈક અટકી જાય છે

સાવ લીસ્સા,કોરા કાગળ જેવું છે.
કલમ પકડું ને સરકી જાય છે

તારા માં ખોવાઈ ગઈ છું એટલે
જ્યાં ને ત્યાં ‘હું’ ઓગળી જાય છે.

કેટલો ઉંડો સંબંધ છે અંદર સુધી
ના જલાવુ જાત તો કાળ ભરખી જાય છે.

આ આ નોખા કવિ એ આ ગૃહ કવિ સંમેલનનો અંત પણ પોતાની રીતે જ કર્યો
કહે કે

ભીડ સાથે ચાલનુ આપણને નહિ ફાવે
બધા જેવા થવાનુ આપણાથી નહિ બને.

તુ હ્રદય તપાસી દોસ્તી કરજે અંહિ દોસ્ત
જાતને શણગારવાનુ આપણાથી નહિ બને

આપણા અળગા થવાનું મંજુર છે મને પણ
કાળજે થી કટકા કરવાનુ આપણા થી નહિ બને

આવા કવિને હંમેશા હ્રદયમાં વસાવી રાખવાની ખેવના સાથે અંતે કવિ જ્યન્ત પાઠ સાહેબની આ રચના સાથે ગૃહ કવિ સંમેલન પુર્ણ કર્યુ.

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

-જયન્ત પાઠક.